નવી દિલ્લીઃ કેન્દ્રની મોદી સરકારના વહીવટીતંત્રમાં 15 સિનિયર આઈએએસ ઓફિસર્સની વિવિધ ડિપાર્ટમૅન્ટના સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના વડપણ હેઠળની એપોઈન્ટમેંટ કમિટી ઓફ કેબિનેટ(ACC)ના ક્લિયરન્સ બાદ આ બદલી આપવામાં આવી.


હેલ્થ સેક્રેટરી ભાનુ પ્રતાપ શર્માને ડિપાર્ટમૅંટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગ (DoPT)માં સંજય કોઠારીના સ્થાને બદલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને સંજય કોઠારીના નિવૃત્ત થવાથી આ જગ્યા ખાલી પડી હતી. જેમાં 1981ની બેચના બિહાર કેડરના આઈએસ ઓફિસર ભાનુ પ્રતાપ શર્માને મૂકવામાં આવ્યા છે.

આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહેલા જળ સંપત્તિ અને નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલયના સેક્રેટરી શશી શેખરનું સ્થાન ગુજરાત કેડરના આઈએએસ ડૉ. અમરજિત સિંઘ લેશે. 1982ની બૅચના આઈએએસ ડૉ. સિંઘ છેલ્લા ઘણા વર્ષોથી જળ સંપત્તિ વિભાગમાં કાર્ય કરી રહ્યા છે.

આ જ રીતે, હાલમાં સ્ટેટીસ્ટીક અને પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશનના સ્પેશિયલ સેક્રેટરી દિનેશ સિંહ જમીન સંપત્તિ વિભાગના સચિવ તરીકે અને કોલસા મંત્રાલયના ખાસ સચિવ એ.કે.દૂબે, ડિપાર્ટમેન્ટ ઓફ યૂથ અફેયર્સમાં કાર્યભાર સંભાળશે.

ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સના સચિવ અરુણ શર્માને સ્ટીલ મંત્રાલયમાં બદલી આપવામાં આવી છે. જ્યારે અરુણ સુંદરરાજનને ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયમાં મૂકવામાં આવ્યા છે. આ બંને આઈએએસ 1982ની બેચના ક્રમશ: મધ્યપ્રદેશ અને કેરલના કેડર્સ છે.

સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ એમ.સત્યવથયને શંકર અગ્રવાલના સ્થાને શ્રમ અને રોજગારના નવા સચિવ નિમવામાં આવ્યા છે. શંકર અગ્રવાલ આ મહિનાના અંતમાં નિવૃત્ત થશે. 1982ની બેચના કર્ણાટક કેડરના આઈએએસ લતા ક્રિષ્ના રાવને સામાજિક ન્યાય અને અધિકારીતાના નવા સચિવ તરીકે, જ્યારે રાજસ્થાનના કેડર રાકેશ શ્રીવાસ્તવને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના સચિવ બનાવાયા છે.

1981 અને 1982ના અધિકારીઓ ઉપરાંત 1983ની બેચના પાંચ અધિકારીઓને પણ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. 1983ની બેચના અધિકારીઓમાંથી રાજીવ કપૂર જે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિમિસ્ટ્રેશનના ડાયરેક્ટર જનરલ છે, તેમની પણ બઢતી કરવામાં આવી છે. તો હાલના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સી.કે.મિશ્રાને નવા હેલ્થ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

ગ્રામીણ વિકાસના અધિક સચિવ અમરજિત સિંહાને ગ્રામીણ વિકાસના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંહાને પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં નિમણૂંક આપવામાં આવી હતી, પરંતુ પોતાના સ્વભાવ માટે જાણીતા તત્કાલીન માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના કારણે તેમણે ટ્રાન્સફર લીધું હતું.

ગૃહ મંત્રાલયના અધિક સચિવ બી.કે. પ્રસાદને નેશનલ કમિશન ફોર ડિનોટીફાઈડ, નોમેડિક એન્ડ સેમી-નોમેડિક ટ્રાઈબ્સના બે વર્ષના સચિવ નિમવામાં આવ્યા છે. અન્ય એક અધિક સચિવ એન.એસ.કાંગને નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ નિમવામાં આવ્યા છે.