નવી દિલ્હીઃ કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે ભારત સરકારે દેશભરમાં લગાવી દીધેલા લોકડાઉનના કારણે પોતાના સંબંધીઓને મળવા તથા અન્ય સમારોહમાં સામેલ થવા ભારત આવેલા 179 પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયા હતા. આજે તેમને અટારી-વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.



આજે સવારથી જ અટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકો પહોંચવા લાગ્યા હતા. પાકિસ્તાન સરકારની વિનંતી પર ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં ફસાયેલા પાકિસ્તાનીઓ ટેક્સી દ્વારા અટારી બોર્ડર પર પહોંચ્યા હતા. દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસે આ નાગરિકોની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી હતી. બીએસએફના જવાનો કોરોના વાયરસના બચાવ માટે નિર્ધારીત કરેલા માપદંડોનું પાલન કરીને દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. પાકિસ્તાન જનારા યાત્રીઓમાં બાળકો તથા મહિલાઓ પણ સામેલ છે.

કોરોના વાયરસના કારણે બંધ અટારી બોર્ડરથી ભારત સરકારે અત્યાર સુધીમાં 400થી વધારે પાકિસ્તાની નાગરિકોને તેમના વતન મોકલીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં ફસાયેલા 300થી વધારે ભારતીયો વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.