Assam: પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ-ઈન્ડિપેન્ડેન્ટ (ઉલ્ફા) એ સ્વતંત્રતા દિવસ પર દાવો કર્યો હતો કે તેણે સ્વતંત્રતા દિવસ પર વિસ્ફોટ કરવા માટે આસામમાં 19 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. જોકે તેણે દાવો કર્યો હતો કે ટેકનિકલ ભૂલોના કારણે આ બોમ્બ નિષ્ફળ રહ્યા હતા. ઉગ્રવાદી સંગઠને કહ્યું કે આસામના 19 સ્થળોમાંથી 8 બોમ્બ રાજ્યની રાજધાની ગુવાહાટીમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
ઉગ્રવાદી સંગઠને દાવો કર્યો હતો કે તે "સશસ્ત્ર વિરોધ"ના ભાગરૂપે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઇરાદો ધરાવતા હતા પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણોસર સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે બોમ્બ બ્લાસ્ટ થયા નહોતા. સંગઠને એ તમામ 19 સ્થળોની યાદી પણ બહાર પાડી હતી જ્યાં તેણે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. તે સિવાય કેટલીક બોમ્બ સાઈટના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા જેમાં ગુવાહાટીના દિસપુરમાં રાજ્ય સચિવાલયની નજીકનો સમાવેશ થાય છે.
સાર્વભૌમ આસામની માંગ કરી રહેલા સંગઠન ઉલ્ફા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો બહિષ્કાર કરી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ બોમ્બ શોધવા માટે પોલીસની ટીમોએ કામગીરી શરૂ કરી હતી.
એક નિવેદનમાં સંગઠને કહ્યું હતું કે જે સ્થળોમાં બોમ્બ મુકવામાં આવ્યા છે તેમાં ડિબ્રુગઢ, શિવસાગર, તિનસુકિયા, નાગાંવ, લખીમપુર, નલબાડી, રંગિયા અને ગોલઘાટ જિલ્લામાં છે. પ્રતિબંધિત સંગઠન દ્વારા ઉલ્લેખિત સ્થળોએ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ઉલ્ફાની રચના 1979માં "સાર્વભૌમ આસામ"ની માંગ સાથે કરવામાં આવી હતી. અધ્યક્ષ અરબિન્દા રાજખોવાના નેતૃત્વમાં એક જૂથે થોડા મહિના પહેલા સરકાર સાથે કરાર કર્યો હતો. પરંતુ પરેશ બરુઆના નેતૃત્વ હેઠળના જૂથ ઉલ્ફા-1 હજુ સુધી શાંતિ પ્રક્રિયામાં જોડાયું નથી.