વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થયું છે. પાડોશી દેશની ચિંતા થવી સ્વાભાવિક છે. ત્યાંની સ્થિતિ જલ્દી સુધરશે. ત્યાં હિંદુ લઘુમતી સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, "પાડોશી દેશ તરીકે હું બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે તેનાથી સંબંધિત ચિંતાને સમજી શકું છું. મને આશા છે કે ત્યાંની સ્થિતિ વહેલી તકે સામાન્ય થઈ જશે. 140 કરોડ દેશવાસીઓની ચિંતા ત્યાંના હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા કરવાની છે. ભારત હંમેશા ઇચ્છે છે કે આપણા પાડોશી દેશો સમૃદ્ધિ અને શાંતિના માર્ગ પર ચાલે. અમે શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આવનારા દિવસોમાં અમે બાંગ્લાદેશને તેની 'વિકાસ યાત્રા' માટે શુભકામનાઓ આપતા રહીશું કારણ કે આપણે માનવતાના કલ્યાણ વિશે વિચારીએ છીએ.
લઘુમતીઓ પર હુમલા
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી ત્યાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. પશ્ચિમ બાંગ્લાદેશમાં તોફાનીઓએ અનેક હિંદુ પરિવારના મકાનોને આગ લગાવી દીધી હતી. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી સમુદાયને નિશાન બનાવીને અનેક હુમલાઓ કરાયા હતા
હિંસામાં 560થી વધુ લોકોના મોત થયા છે
બાંગ્લાદેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે શેખ હસીનાની સરકાર 5 ઓગસ્ટે પડી ગઈ હતી. દેશભરમાં વિરોધ પ્રદર્શનને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 560થી વધુ થઈ ગયો છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. વિવાદાસ્પદ અનામત સિસ્ટમ પર અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે વ્યાપક વિરોધને પગલે હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને 5 ઓગસ્ટે ભાગીને ભારત આવી ગયા હતા.