નવી દિલ્હીઃ દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.


જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 19 લોકોના સૃથળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 125 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

આ ઘટના રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ બની હતી. કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ હતી, રિપોર્ટ અનુસાર જ્યારે વિમાને લેન્ડિંગ કર્યું ત્યારે વિઝિબિલિટી અતી ઓછી હતી.

દુબઈથી આવેલા વિમાનમાં મોટાભાગના લોકો કુટુંબ સાથે આવ્યા હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે.

કોઝિકોડના કરિપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારમાં છે. તેનો રનવે ટેબલ ટોપ છે. એટલે કે, એક ચોક્કસ અંતર પછી રનવેના આગળના ભાગમાં ઊંડી ખીણ છે. આવા સ્થળે પાઈલટ પાસે વિમાન રોકવા માટે ઘણી ઓછી જગ્યા હોય છે. એવું કહેવાય છે કે, ભારે વરસાદના કારણે લેન્ડિંગ કરતા સમયે વિમાન રનવે પર આગળ નીકળીને ખીણમાં પડી ગયું.

પ્રધાનમંત્રી મોદીએ કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ભોગ બનેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમેએ કહ્યું કે, તેઓ કોઝીકોડમાં થયેલ વિમાન અકસ્માતથી આહત છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનાથી હું આહત છું. મારા વિચાચર એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્ત ઝડપથી સાજા થઈ જાય. કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી. અધિકારી ઘટનાસ્થળ પર છે અને તનામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.”