જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલાના સમાચાર છે. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા, જ્યારે સેના માટે કામ કરતા બે મજૂરોના પણ મોત થયા હતા. બે જવાનો ઘાયલ થયા છે. આતંકી સંગઠન PAFF એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ જૈશ-એ-મોહમ્મદનો પ્રોક્સી ફ્રન્ટ છે.


નોંધનીય છે કે એલઓસી નજીક બોટાપથ્થર ગુલમર્ગના નાગિન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની પુષ્ટી કરી છે. જોકે, સેના તરફથી પુષ્ટીની રાહ જોવાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.


આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ- એલજી


જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, બુટાપથરી સેક્ટરમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા પર સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. આતંકવાદીઓને ઠાર મારવા માટે ઝડપી અને યોગ્ય જવાબ આપવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે  આપણા શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.


ઓમર અબ્દુલ્લાએ કહ્યું- હું હુમલાની સખત નિંદા કરું છું.


જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે "ઉત્તર કાશ્મીરના બુટા પથરી વિસ્તારમાં સેનાના વાહનો પર થયેલો હુમલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાકે જીવ ગુમાવ્યો છે." કાશ્મીરમાં તાજેતરના હુમલાઓની ગંભીર ચિંતાનો વિષય છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય.


મહબૂબા મુફ્તીએ શોક વ્યક્ત કર્યો


જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે "બારામુલ્લામાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છું, જેમાં એક નાગરિકનું મોત થયું છે." હું સ્પષ્ટપણે આની નિંદા કરું છું અને ઘાયલ સૈનિકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.


ત્રણ દિવસ પહેલા થયેલા હુમલામાં 7 લોકોના મોત થયા હતા


આના ત્રણ દિવસ પહેલા જ ગંદરબાલમાં જ સુરંગ નિર્માણમાં રોકાયેલા મજૂરોના હાઉસિંગ કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ મજૂરો અને એક ડોક્ટરના મોત થયું હતું.