કોટા: રાજસ્થાનના કોટામાં સરકારી હોસ્પિટલમાં વધુ બે બાળકોના મોત થયા છે. કોટા હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુઆંક 106 પર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં રાજસ્થાનના કોટામાં સરકારી હોસ્પિટલમાં 100થી વધુ નવજાત બાળકોના મોત થયા છે. બાળકોના મોત બાદ રાજ્યની ગેહલોત સરકાર વિપક્ષના નિશાને છે.


શુક્રવારે રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્માએ કોટાની જે.કે. લોન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે આવેલા કોટાના પ્રભારી મંત્રી પ્રતાપ સિંહે બાળકોના મોત માટે હોસ્પિટલ તંત્ર ઉપર લાપરવાહી દાખવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે બાળકોના મોત પર કાબુ મેળવવાની જવાબદારી તંત્ર, ડોકટર અને નર્સની હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે નાણાની કોઇ કમી નથી. તેમની પાસે છ કરોડથી વધુની રકમ પડી છે. તેનાથી ઉપકરણો ખરીદી શકાય તેમ છે. પ્રતાપ સિંહે કહ્યું કે તેમણે જેકે લોન હોસ્પિટલના સ્ટાફને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલમાં જેટલી પણ ખામીઓ છે તેને વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે. બાળકોના મોત મામલે જે પણ દોષિતો હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.