ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાની આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. આ પહેલા સરકારે કોરોનાના નવા વાયરસના 6 કેસ હોવાનું કહ્યું હતું.

જે 20 લોકો નવા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે તેમાં એનસીડીસી લેબમાં 8, nimhansમાં 7, સીસીએમબી હૈદ્રાબાદ લેબમાં 2 સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે NIBG કલ્યાણી કોલકાતા, NIV પુણે, IGIB દિલ્હીમાં એક એક સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ છે.

આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલ પરિવારના લોકો, તેમની સાથે પ્રવાસ કરનાર અન્ય લોકોનું મોટા પાયે ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે. કેંદ્ર સરકાર બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ પર પ્રતિબંધ હજુ પણ લંબાવી શકે છે.

બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.