તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પરિણામે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ અને રેલ માર્ગો બ્લોક થઈ ગયા હતા. રેલવેએ 99 ટ્રેનો રદ કરવી પડી જ્યારે 54 ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.
પીએમએ આંધ્ર અને તેલંગણાના સીએમ સાથે વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ સ્થિતિ જાણવા માટે બંને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કહ્યું કે કેન્દ્ર સહાય પૂરી પાડવામાં કોઈ કસર છોડશે નહીં. દરમિયાન, NDRFની 26 ટીમો બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે જ્યારે 14 વધુ ટીમો મોકલવામાં આવશે.
રવિવારે હૈદરાબાદ સહિત તેલંગણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. મહેસૂલ પ્રધાન પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક ગુમ થયો હતો. મુખ્યમંત્રી રેડ્ડીએ મંત્રીઓ, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી નિર્દેશો આપ્યા હતા.
હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે રાજ્યના અદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સિરસિલા, યાદ્રાદ્રી ભુવનગિરી, વિકારાબાદ, સંગારેડ્ડી, કામારેડ્ડી અને મહબૂબનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના દર્શાવતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, ખાસ કરીને વિજયવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં. સમગ્ર રાજ્યમાં 17,000 અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુના જણાવ્યા અનુસાર, રાજ્યના 14 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને તેના કારણે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે અન્ય એક લાપતા છે.