નવી દિલ્લી: વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” દ્વારા દેશના લોકો સાથે પોતાના નવા વિચારો અને વરસાદ પર વાત કરી શકે છે. આ વખતે તેમના કાર્યક્રમનો 22મો એપિસોડ છે.
વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી વખતે “મન કી બાત ”માં વડાપ્રધાન મોદીએ વર્ષ 1975માં દેશમાં લાગુ થયેલી કટોકટીની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભારતના લોકો હંમેશાથી લોકશાહીને મહત્વ આપતા રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ઘણી વખત “મન કી બાત” કાર્યક્રમની ટીકાઓ થાય છે, પણ આ એટલા માટે શક્ય છે કારણ કે આપણે લોકશાહીમાં રહીએ છીએ. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ અંગ્રેજી અને બીજી ઘણી ભાષાઓમાં કરવામાં આવે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક અહેવાલ મુજબ “મન કી બાત” કાર્યક્રમને થોડા જ વખતમાં બાંગ્લાદેશમાં પણ પ્રસારિત કરવામાં આવશે, અને આ જુલાઈથી અમલમાં આવશે. “મન કી બાત” કાર્યક્રમને આકાશવાણી મૈત્રી દ્વારા બાંગ્લા ભાષામાં અનુવાદ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી તેમના કાર્યક્રમમાં બાંગ્લાદેશના નાગરિકોના સવાલોના જવાબ આપશે. વડાપ્રધાન મોદી તેમના કાર્યક્રમમાં ભારત-બાંગ્લાદેશના સંબંધો પર પણ વાત કરશે, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે.