નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરા વચ્ચે ઇરાનથી 277 ભારતીયોને ભારત લાવવામાં આવ્યા હતા. આ તમામને ભારત સરકારની મદદથી એક વિશેષ વિમાનમાં જોધપુર લાવવામાં આવ્યા હતા. આગામી 14 દિવસો સુધી આ લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવશે. ભારત પરત લાવવા પર તમામ ભારતીયોએ વિદેશમંત્રી એસ.જયશંકરનો આભાર માન્યો હતો.




આ અગાઉ 15 માર્ચના રોજ ઇરાનમાંથી 234 ભારતીયોને પરત લવાયા હતા. વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, ઇરાનમાં ફસાયેલા 234 ભારતીયો સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. ઇરાનમાં ભારતીય રાજદૂત અને ઇરાનમાં ભારતીય દૂતાવાસના પ્રયાસો માટે ધન્યવાદ. આ અગાઉ 53 ભારતીયોનું એક જૂથ ઇરાનથી ભારત પરત ફર્યું હતું.

ઇરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સહિત વિવિધ લોકો સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી ભારત સરકાર પાસે મદદ માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરાને જોતા સમીક્ષા બેઠકમાં અધિકારીઓને ઇરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા કહ્યુ હતું.