નવી દિલ્હીઃ 2013માં વ્યાપમં પોલીસ ભરતી મામલામાં થયેલા કૌભાંડમાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે તમામ 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. હવે આ સંબંધમાં કોર્ટ 25 નવેમ્બરના રોજ સજા સંભળાવશે. સીબીઆઇ તરફથી 31 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ હાલમાં જામીન પર છે.
વ્યાપમંમાં ગરબડનો મોટો ખુલાસો સાત જૂલાઇ 2013ના રોજ પ્રથમવાર પીએમટી પરીક્ષા દરમિયાન ત્યારે થયો જ્યારે એક ગેંગની ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ જૂથ પીએમટી પરીક્ષામાં નકલી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મોકલવાનું કામ કરતા હતા. મુખ્યમંત્રી ચૌહાણે આ મામલાને ઓગસ્ટ 2013માં એસટીએફને સોંપ્યો હતો.
હાઇકોર્ટે આ મામલાને ધ્યાનમાં લીધો હતો અને હાઇકોર્ટના નિવૃત જજ ચંદ્રેશ ભૂષણની અધ્યક્ષતામાં એપ્રિલ 2014માં એસઆઇટીની રચના કરી હતી જેની દેખરેખમાં એસટીએફ તપાસ કરતી રહી હતી. નવ જૂલાઇ 2015ના રોજ આ કેસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને 15 જૂલાઇએ સીબીઆઇએ આ કેસની તપાસ શરૂ કરી હતી.
સરકારના પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા, તેમના ઓએસડી રહેલા ઓપી શુક્લા, ભાજપ નેતા સુધીર શર્મા, રાજ્યપાલના ઓએસડી રહેલા ધનંજય યાદવ, વ્યાપમંના નિયંત્રક રહેલા પંકજન ત્રિવેદી, કોમ્પ્યૂટર એનાલિસ્ટ નિતિન મોહિન્દ્રા જેલ જઇ ચૂક્યા છે. આ મામલામાં બે હજારથી વધુ લોકો જેલ જઇ ચૂક્યા છે. અને ચારસોથી વધારે હજુ પણ ફરાર છે. જ્યારે 50થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.