નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. લાતેહરમાં તેમણે ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું, રઘુબર દાસજી છેલ્લા 5 વર્ષમાં ઝારખંડને વિકાસના માર્ગ પર લઇ આવ્યા છે. કોંગ્રેસ અને જેએમએમ એ ગરીબો માટે શું કર્યું છે.  હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં તમે આદિવાસીઓ માટે શું કર્યું ? અમે દરેક આદિવાસી જિલ્લામાં એકલવ્ય સ્કૂલ ખોલી છે. મોદીજીએ જિલ્લા ખનીજ ફંડ પણ બનાવ્યું છે.


શાહે જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજજો પરત લેવાના કેન્દ્ર સરકારના ફેંસલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ વોટ બેંકની લાલચમાં મામલાને 70 વર્ષ સુધી લટકાવી રાખ્યો હતો, પરંતુ પીએમ મોદી ભારત માતાના મુગટ પર લાગેલી કલમ 370ને હટાવીને કાશ્મીર માટે વિકાસનો રસ્તો ખોલી દીધો છે.


રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરતા કહ્યું, કોંગ્રેસે અયોધ્યા મામલે અડચણો પેદા કરી. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. કોર્ટના ફેંસલાથી અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નિર્માણનો રસ્ત સાફ થઈ ગયો છે અને હવે ત્યાં ગગનચૂંબી ભવ્ય મંદિર બનશે. દરેક ઈચ્છતા હતા અયોધ્યામાં રામ મંદિર બને પરંતુ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા નહોતી દેતી. દેશના સર્વોચ્ચ ન્યાયાલયે ઐતિહાસિક ફેંસલો આપીને સર્વાનુમતે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો છે ત્યાં ભવ્ય મંદિર બને તેવો ફેંસલો આપ્યો છે.


શાહે તેમના ભાષણમાં એમ પણ કહ્યું કે, અટલ બિહારી વાજપેયીની સરકારે ઝારખંડને બનાવવાનું કામ કર્યું અને મોદી સરકાર તેને આગળ લઈ જઈ રહી છે.