બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન છે. પશ્ચિમ બંગાળે દર સપ્તાહે બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ વીકેન્ડ લોકડાઉનનો વિકલ્પ પસંદ કર્યો છે. જ્યારે કર્ણાટકે માત્ર રવિવારે જ લોકડાઉનની ગઈકાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત આસામ, આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢના કેટલાક જિલ્લામાં લોકડાઉન લાગુ છે.
દેશના કુલ 743 જિલ્લામાંથી 326 જિલ્લામાં કોઈને કોઈ પ્રકારના લોકડાઉન અંતર્ગત છે. ભારતમાં રાષ્ટ્રીય લોકડાઉનને 1 જૂનથી 68 દિવસ બાદ હટાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કોવિડ-19ના સંક્રમણને રોકવા લોકડાઉન કે અન્ય પ્રકારના પ્રતિબંધ લાગુ કરવાની મંજૂરી આપી હતી. લોકડાઉન હટ્યા બાદ કોવિડ મામલાની સંખ્યા 1 જૂને 6,04,993થી 20 જુલાઈ સુધીમાં 11,53,428 થઈ હતી.
ગઈકાલે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, અમે કોવિડને નિયંત્રિત કરવામાં શરૂઆતના દિવસોમાં સફળ રહ્યા પરંતુ તાજેતરના દિવસોમાં ખાસ કરીને બેંગલુરુમાં કેસની સંખ્યા વધી છે. હું રાજ્યના લોકોને જણાવવા માંગુ છું કે વાયરસ નિયંત્રણ માટે લોકડાઉન કોઈ ઉપાય નથી. લોકોએ માસ્ક પહેરેવું અને સામાજિક અંતર જાળવી રાખવું જ સમાધાન છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 648 લોકોના મોત થયા છે અને 37,724 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,92,915 પર પહોંચી છે અને 28,732 લોકોના મોત થયા છે. 7,53,050 લોકો સાજા થઈ ગયા છે અને 4,11,133 એક્ટિવ કેસ છે.