મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે રાજ્યમાં શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 35 જેટલા ધારાસભ્યો પાર્ટીના નેતૃત્વથી નારાજ છે. નારાયણ રાણેએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બિન અસરકારક દેખાઈ રહી છે. કોંગ્રેસ, શિવસેના, એનસીપીએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. સરકાર બન્યાને પાંચ સપ્તાહથી વધુનો સમય થઈ ચુક્યો છે પરંતુ વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.


નારાયણ રાણેએ કહ્યું મહારાષ્ટ્રમાં ભાજપ ફરી સત્તામાં આવશે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. જ્યારે શિવસેના પાસે માત્ર 56 ધારાસભ્યો છે. શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 35 અસંતુષ્ટ છે. નારાયણ રાણેએ દાવો કરતા કહ્યું, ઠાકરેના ખેડુતોની દેવા માફીના વચનો પણ બિનજરૂરી દેખાઈ રહ્યા છે. કારણ કે આમા દેવા માંફીને ક્યારે અમલી કરાશે તેનો ઉલ્લેખ કરાયો નથી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઔરંગાબાદ યાત્રાનો ઉલ્લેખ કરતા નારાયણ રાણેએ કહ્યું , તેઓ કોઈ યોજનાની જાહેરાત કર્યા વગર જ આ ક્ષેત્રને કોઈ ફંડ આપ્યા વગર પરત ફર્યા છે. આવી સરકારથી કોઈ અપેક્ષા રાખી શકાય નહી. સરકાર ચલાવવાના સંદર્ભમાં તેમની પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી. કોઈ અનુભવ નથી. ભાજપ અને રાજ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે વધી રહેલા સંબંધો અંગે વાત કરતા રાણેએ કહ્યું હતું કે, ભાજપ પ્રમુખ જ આ સંદર્ભમાં વધારે વાત કરી શકે છે.