નવી દિલ્હી: દેશની અનેક યુનિવર્સિટીઓના કુલપતિઓ સહિત 208 શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે વામપંથી સંગઠનો પર કેમ્પસમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડાબેરી કાર્યકર્તાઓએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનો માહોલ ખરાબ કર્યો છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્રમાં લખવામાં આવ્યું છે કે ડાબેરી કાર્યકર્તાઓ અને ચળવળકારોની મંડળી દેશનો એકેડેમિક માહોલ ખરાબ કરવાના કામમાં લાગી છે. અમારું માનવું છે કે સ્ટુડન્ટ પોલિટીક્સના નામ પર ઉગ્ર ડાબેરી વિચારધારા અને એજન્ડાને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ જેએનયુ, જામિયા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જાધવપુર યુનિવર્સિટીમાં બનેલી ઘટનાઓ પરથી સાબિત થાય છે કે કેવી રીતે શૈક્ષણિક માહોલને ખરાબ કરવામાં આવે છે. આની પાછળ ડાબેરી કાર્યકર્તાઓનો એક નાનકડો વર્ગ જવાબદાર છે.

શિક્ષકો અને કુલપતિઓએ અપીલ કરી છે કે શૈક્ષણિક, વૈચારિક સ્વતંત્રતા અને વાણી અભિવ્યક્તિની આઝાદી માટે તમામ લોકતાંત્રિક શક્તિઓ સાથે મળીને કામ કરે.

આ પત્ર લખનારાઓમાં હરિસિંહ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આર પી તિવારી, સાઉથ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતી એચ.સી.એસ. રાઠોડ અને સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી સામેલ છે.