Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસ અનુસાર, અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનૈદ અને બાસિત ભટ તરીકે થઈ છે. આતંકવાદી બાસિત ગયા વર્ષે અનંતનાગમાં ભાજપના સરપંચ રસૂલ ડાર, તેની પત્ની અને એક પંચની હત્યામાં સામેલ હતો.






આ પહેલા સુરક્ષા દળોએ કુલગામના મીશીપુરા વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કુલગામના મિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.






તેમણે કહ્યું કે આતંકવાદીઓ મીશીપુરાના સામાન્ય વિસ્તારમાં તેમના છુપાયેલા સ્થળને બદલવામાં સફળ થયા હતા. જો કે, સુરક્ષા દળોએ વિસ્તારને  કોર્ડન કરી દીધો હતો અને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું, જેના પગલે ગુરુવારે ફરીથી એન્કાઉન્ટર થયું હતુ જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.






બુધવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા


બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૌયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી એક તાજેતરમાં બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના કાંજીઉલરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.