ભોપાલ: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 4 માસની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની શરમજનક ઘટના સામે આવી છે. આ મામલે પોલીસની બેદરકારી પણ સામે આવી છે, પરંતુ પોલીસે ઘટનાના દિવસે જ મોડી સાંજે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે આરોપી બાળકીની માતાના માસા છે.


પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ, જેમાં તે બાળકીને લઈ જતો જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઈન્દોરના રાજબાડા વિસ્તારની છે. આરોપી અને પીડિતાનો પરિવાર ગુબ્બારા વહેંચવાનું કામ કરે છે અને રાત્રે સમગ્ર પરિવાર રાજબાડા કિલ્લાના મુખ્ય ગેઈટ પાસે ખુલ્લામાં સુવે છે.

પોલીસે જણાવ્યું કે શુક્રવારે આરોપી 4.45 વાગ્યે માતા-પિતા પાસે સુતેલી બાળકીને લઈને શ્રીનાથ પેલેસ બિલ્ડિંગના બેસમેન્ટમાં લઈ ગયો. જ્યાં તેણે આશરે 15 મિનિટ સુધી બાળકી સાથે બળાત્કાર કર્યો. સીસીટીવી કેમેરામાં તે 5 વાગ્યે એકલો પરત ફરતો પણ જોવા મળી રહ્યો છે.

જાણકારી મુજબ, એક દિવસ પહેલા જ આરોપીને બાળકીના માતા સાથે ઝઘડો થયો હતો. આરોપીની પત્ની તેની છોડીને જતી રહી હતી અને તે બાળકીના માતાને સમાધાન માટે કહી રહ્યો હતો, જેને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો થતા ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે પોલીસે આરોપીને કેટલીક લાકડીઓ ફટકારી ત્યાંથી ભગાડ્યો હતો.

પોલીસની બેદરકારી એટલે જ ન રોકાઈ. શુક્રવારે સવારે બાળકીના પરિવારજનો ગુમ બાળકીની ફરીયાદ દાખલ કરવા ગયા તો તેમને બપોર બાદ આવવાનું કહેવામાં આવ્યું. અંતે બાળકીની લાશ મળી આવતા પોલીસે ફરીયાદ દાખલ કરી અને તેની વચ્ચે પરિવાર 8 કલાક સુધી રોકકળ કરતો રહ્યો. જ્યાં આ ઘટના બની ત્યાંથી પોલીસ સ્ટેશન આશરે 100 મીટર જેટલું છે.

પોલીસને જ્યારે બાળકીની લાશ મળી હોવાની સૂચના મળી, ત્યારબાદ આશરે દોઢ કલાક બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. સૂચના મળ્યા છતાં વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણકારી ન આપવામાં આવતા DIGએ એસઆઈને સસ્પેંડ કરી દિધા છે.

પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ એમવાઈ હોસ્પિટલમાં કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન છે. બાળકીના માથા પર ગંભીર ઈજાના નિશાન છે. ડૉક્ટર્સનું કહેવું છે કે બાળકીને જમીન પર જોરથી પટકતા તેનું મોત થયું છે.