નવી દિલ્લી: બળાત્કારની ઘટનાઓ મામલે મોદી સરકાર એક્સનમાં બાર વર્ષ સુધીની બાળકીઓ પરના દુષ્કર્મ કેસોમાં ફાંસીની સજા આપવાનો અધ્યાદેશ લાવી શકે છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. પોસ્કો કાયદામાં બદલાવ લાવવામાં આવશે. ભાગેડુ આર્થિક અપરાધિઓ માટે પણ વટહુકમ લાવી શકાય છે.

મોદી સરકાર આજે બે મહત્વપૂર્ણ ઓર્ડિનન્સ પર કોઈ નિર્ણય લઈ શકે છે. પ્રથમ ઓર્ડિનન્સ દ્વારા પોસ્કો એક્ટમાં ફેરફાર કરવામાં આવી શકે છે, તો બીજા ઓર્ડિનન્સમાં એસસી,એસટી કાયદાને તેના મૂળ સ્વરૂપમાં લાવી શકે છે.

બંને એક્ટમાં ફેરફારની માંગણી દલિત આંદોલન અને તાજેતરમાં ઉન્નાવ અને કઠુઆમાં થયેલા બળાત્કાર બાદ ઉઠી રહી છે. પોસ્કો એક્ટમાં ફેરફાર ઉપરાંત સરકાર એસસી, એસટી એક્ટમાં ફેરફાર સાથે સંબંધિત વટહુકમને પણ શનિવારે મંજૂરી આપવામાં આવી શકે છે. ઉન્નાવ અને કઠુઆમાં થયેલી બળાત્કારની ઘટના અને એસસી, એસટી એક્ટમાં કોર્ટના નિર્ણય બાદ સરકારની ભારે ટીકા થઈ હતી. બળાત્કારની ઘટના બાદ ફરીથી એકવાર કાયદો વધુ કડક બનાવવાની માગ થવા લાગી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ આ માંગણીનું સમર્થન કર્યું છે.