લખનઉઃ ઉત્તરપ્રદેશના નગીનામાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં એક લગ્નસમારંભ દરમિયાન મંડપમાં કન્યાએ વરરાજાને બદલે તેના પ્રેમીના ગળામાં હાર નાખી દેતા હોબાળો મચી ગયો હતો. બાદમાં જાનૈયાઓ કન્યાના પ્રેમી સાથે મારપીટ કરી હતી. સૂચના મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી.
બિજનૌરમાં બુધવારે એક લગ્ન સમારંભ યોજાયો હતો. આ દરમિયાન કન્યાપક્ષના લોકોએ વરપક્ષના મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ વરરાજા સ્ટેજ પર પહોંચ્યો હતો. નવવધૂને વરમાળા માટે બોલાવવામાં આવી. વરમાળા લઇને સ્ટેજ પહોંચેલી કન્યાએ પોતાના પતિને વરમાળા પહેરાવવાને બદલે બાજુમાં ઉભેલા તેના પ્રેમીના ગળામાં વરમાળા નાખી દેતા હોબાળો મચી ગયો હતો.
બાદમાં જાણવા મળ્યું કે, તે વરરાજાના પક્ષ તરફથી નહોતો પરંતુ તેમ છતાં તે નાચતા નાચતા સ્ટેજ સુધી પહોંચી ગયો હતો. જાનૈયાઓએ યુવકને પકડીને મારપીટ કરી હતી. પોલીસે કન્યાના પ્રેમીની અટકાયત કરી હતી. યુવકની અટકાયત બાદ નવવધૂએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તેણે જેના ગળામાં હાર પહેરાવ્યો છે તેની સાથે જ લગ્ન કરશે. ભારે હોબાળા બાદ જાન પાછી ફરી ગઇ હતી.
પોલીસે જણાવ્યું કે, યુવક અને નવવધૂ એક જ કોલેજમાં ભણતા હતા. બંન્ને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવતીના પરિવારજનો લગ્ન માટે રાજી નહોતા અને યુવતીના લગ્ન જબરદસ્તીથી અન્ય યુવક સાથે કરાવવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ યુવતી અને તેના પ્રેમીએ સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો. યુવતી સગીરા છે.