નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે નિર્ભયા કેસના ચારમાંથી ત્રણ દોષિતોની મોતની સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. એડિશનલ સત્ર ન્યાયાદીશ ધર્મેન્દ્ર રાણાએ અક્ષય કુમાર, પવન ગુપ્તા અને વિનય શર્માની ફાંસીની સજા પર રોક લગાવવી માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમાંથી એકની બીજી દયા અરજી પેન્ડિંગ છે.




કોર્ટને સરકારી વકીલને જણાવ્યું કે, દોષિત અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાની બીજી દયા અરજી પર સુનાવણી કર્યા વિના તેને  એ આધાર પર ફગાવી દેવામાં આવી કે પ્રથમ દયા અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને આ બધુ સુનાવણી યોગ્ય નથી.



તેમણે કોર્ટને જણાવ્યું કે, નિર્ભયા કેસમાં દોષિતોના વકીલ એપી સિંહ ખોટી સૂચના આપી રહ્યા છે કે પવન ગુપ્તાની  બીજી દયા અરજી પેન્ડિંગ છે અને  તમામ દોષિતોએ પોતાના કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી લીધો છે.

એપી સિંહે કહ્યુ કે, અક્ષયની પત્નીએ બિહારની એક કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ કરી છે જે હજુ પેન્ડિંગ છે. જેના પર વિશેષ સરકારી વકીલે કહ્યું કે, કોઇ અન્ય અરજી વર્તમાન કેસમાં કાયદાકીય ઉપાયોના દાયરામાં આવતી નથી.

નોંધનીય છે કે પાંચ માર્ચના રોજ એક નીચલી કોર્ટે મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષયકુમાર સિંહને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ  જાહેર કર્યું હતું. ચારેય દોષિતોને 20 માર્ચના રોજ સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે.

નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે અંતે દોષિતોને ફાંસી થશે. હવે મને શાંતિ મળશે. સાત વર્ષ બાદ મારી દીકરીની આત્માને શાંતિ મળશે.