નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વભરમાં તાલાબંધીની સ્થિતિ ઉભી થઈ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળીને રાશનનો સ્ટોક કરી રહ્યા છે. આ સ્થિતિની વચ્ચે કેન્દ્રમાં મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.  તેની જાણકારી આપતા ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, નવા નિયમનો ફાયદો દેશના 75 કરોડ લોકોને મળશે.


રામવિલાસ પાસવાન અનુસાર સસ્તું અનાજ મેળવવા માટે હકદાર 75 કરોડ લોકોને છ મહિનાનું રાશન એક સાથે લેવાની છૂટ આપવામાં આવશે. હાલમાં તેમને વધુમાં વધુ બે મહિનાનું અનાજ સમય પહેલા લેવાની છૂટ છે.

રામવિલાસ પાસવાને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ‘અમારા ગોડાઉનમાં અનાજનો પૂરતો ભંડાર છે. અમે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તે ગરીબ લોકોને છ મહિનાનાં અનાજનો કોટા એક સાથે લેવાની છૂટ આપે.’



પાસવાને કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ નિર્ણય લેવાયો છે જેથી કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લાગૂ થાય તો ગરીબ લોકોને અનાજ મેળવવામાં તકલીફ ન થાય. હાલમાં પંજાબ સરકારે લોકોને 6 મહિનાનું રાશન ઉઠાવવાની મંજૂરી આપી છે.

પાસવાનના કહેવા અનુસાર હાલમાં સરકારી ગોડાઉનમાં 4.35 કરોડ ટનથી પણ વધારે અનાજ છે. જેમાં 272.19 લાખ ટન ચોખા અને 162.79 લાખ ટન ઘઉં છે. સાર્વજનકિ વિતરણ પ્રણાલી માટે એપ્રિલમાં બફરમાં 135 લાખ ટન ચોખા અને 74.2 લાખ ટન ઘઉંનો ભંડાર સુરક્ષિત માનવામાં આવે છે.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે લોકો ભારતમાં કોરોના વાયરસના ડરથી ઘરમાં રાશન પાણી ભરી રહ્યા છે. રામ વિલાસ પાસવાને કહ્યું કે કોરોના વાયરસ સંકટના સમયે સરકારની પાસે પૂરતા પ્રમાણમાં અનાજ છે. અને સાથે લોકોને આ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.