આ અંગે માહિતી આપતા ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું, 23 ફ્લાઇટ દ્વારા આશરે 4000 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. 468 સ્પેશિયલ ટ્રેન દ્વારા 5 લાખથી વધારે શ્રમિકો તેમના ગૃહ રાજ્ય પરત ફર્યા છે. ગઈકાલે 101 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી.
રેલ મંત્રાલયે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને લઈ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેન જે રાજ્યમાંથી પસાર થશે ત્યાં ત્રણ સ્ટેશન પર થોભશે. આ ઉપરાંત સ્લીપર બર્થની તમામ સીટો પર મુસાફરો યાત્રા કરી શકશે. અત્યાર સુધી ટ્રેનના એક ડબ્બામાં 72ના બદલે 56 લોકોને જ બેસાડવામાં આવતા હતા.
મંગળવારથી શરતો સાથે દેશના 15 મોટા શહેરો માટે એસી ટ્રેન શરૂ થઈ જશે. રેલવે 12 મેથી ધીમે ધીમે પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે. શરૂઆતમાં 15 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જે નવી દિલ્હીથી શરૂ થઈ દેશના વિવિધ સ્ટેશનો સુધી જશે. આ ટ્રેનમાં ઓઢવા માટે ધાબળા કે ઓશિકા પણ નહીં આપવામાં આવે. ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે.