નવી દિલ્હીઃ રેલ મંત્રાલયે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને લઈ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેન જે રાજ્યમાંથી પસાર થશે ત્યાં ત્રણ સ્ટેશન પર થોભશે. આ ઉપરાંત સ્લીપર બર્થની તમામ સીટો પર મુસાફરો યાત્રા કરી શકશે. અત્યાર સુધી ટ્રેનના એક ડબ્બામાં 72ના બદલે 56 લોકોને જ બેસાડવામાં આવતા હતા.


દેશભરમાં લોકડાઉનના કારણે 17 મે સુધી રેલ સેવા રદ્દ છે પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલો લોકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા અને લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ, તીર્થયાત્રી અને પર્યટકો મુસાફરી કરી શકે છે.

રેલવેના દિશા-નિર્દેશ

  • ટ્રેનમાં સફર કરતાં પહેલા તમામ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમનામાં કોવિડ-19ના લક્ષણો નહીં હોય તેમને જ ટ્રેનમાં બેસવા દેવામાં આવશે.

  • રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું ફરજિયાત છે.

  • યાત્રા દરમિયાન દરેક યાત્રીએ માસ્ક પહેરવું ફરજિયાત છે.

  • ગંતવ્ય સ્થાન પર પહોંચલા યાત્રીઓમાંથી કોઈને આઈસોલેશનમાં રાખવાની જરૂર પડે તો તેની વ્યવસ્તા રાજ્ય સરકાર કરશે.

  • 12 કલાકથી લાંબી સફરવાળી ટ્રેનોમાં એક સમયનું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  • જે તે રાજ્ય સરકાર શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે.


મંગળવારથી શરતો સાથે દેશના 15 મોટા શહેરો માટે એસી ટ્રેન શરૂ થઈ જશે. રેલવે 12 મેથી ધીમે ધીમે પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે. શરૂઆતમાં 15 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જે નવી દિલ્હીથી શરૂ થઈ દેશના વિવિધ સ્ટેશનો સુધી જશે. સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.