નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  જસ્ટિસ  શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)ને દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી  આપી દીધી છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદ માટે શપથ લેશે. 17 નવેમ્બરના  રોજ વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ નિવૃત થવા જઇ રહ્યા છે. જસ્ટિસ બોબડે દેશના 46મા ચીફ જસ્ટિસ બનશે.

નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં  ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નિયમ અનુસાર જસ્ટિસ બોબડેને દેશના આગામી  ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી.


રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહેલી  પાંચ જજોની ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે પણ સામેલ છે. પાંચ જજોની બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નઝીર સામેલ છે. આ કેસની સુનાવણી પૂર્ણ થઇ ચૂકી છે પરંતુ ચુકાદો આવવાનો બાકી છે.

જસ્ટિસ એસ.એ. બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. નાગપુર યુનિવર્સિટીમાંથી બીએ અને એલ.એલ.બી કર્યા બાદ તેમણે 1978માં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર જોઇન કર્યું હતું. બાદમાં તેમણે બોમ્બો હાઇકોર્ટની નાગપુર બેન્ચમાં લોની પ્રેક્ટિસ કરી અને 1998માં વરિષ્ઠ વકીલ બન્યા હતા.