નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવાને ફરીથી શરુ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી જ્યારે 370ની કલમ દૂર કરવામાં આવી, ત્યારથી ત્યાં 4G ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ હતો. આશરે દોઢ વર્ષ બાદ હવે ફરીથી આ સેવા ત્યાં શરુ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર સરકારના પ્રવક્તા રોહિત કંસલે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.


5 ઓગષ્ટ 2019ના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી હતી, જેની સાથે જ તેનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો પુરો થયો હતો. ત્યારબાદથી જ કાશ્મીરની અંદર ઇન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી હતી. થોડા સમય બાદ કાશ્મીરમાં 2G ઇન્ટરનેટ સેવા શરુ કરવામાં આવી હતી. રાજ્યમાં 4G સેવાને લઇને સુપ્રિમમાં અરજી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી ઇન્ટરનેટ રાબેતા મુજબ શરુ થયું છે.

આ વાતને લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રંસના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને વાતની ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 4G મુબારક. ઓગષ્ટ 2019 બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરને 4G ઇન્ટરનેટ મળ્યું.