નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ એનકાઉન્ટર માં ચાર આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થઈ ગયો છે સાથે એક નાગરિકનું મોત થયું હોવાની ખબર સામે આવી છે.


જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવેલ સીઝફાયર ખત્મ થયા બાદ ઓપરેશન ઓલઆઉટ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. શુક્રવાર સવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. અનેક કલાક સુધી ચાલેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.  સુરક્ષા દળોને મોડી રાત્રે આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે 17 જૂનના રોજ સીઝફાયર ખત્મ કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સૈન્યએ ઓપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે પણ સૈન્યએ પુલવામાના ત્રાલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો હતો. આતંકીઓ આકિબ હીનાસના ઘરમાં છૂપાયા હતા.

નોંધનીય છે કે 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. એવામાં આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. અમરનાથ યાત્રામાં સુરક્ષા માટે શ્રીનગરમાં એનએસજીના બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે એરપોર્ટની સુરક્ષા પણ આ કમાન્ડોને સોંપવામાં આવી છે.