દેશમાં કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થતા છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને મોટી સંખ્યામા લોકો હિલ સ્ટેશનો પર ફરવા જઈ રહ્યા છે. જ્યાં માનવમહેરામણ ઉમટી પડતા કોરોના ગાઈડલાઈનના ધજાગરા થઈ રહ્યા છે.  મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.  લોકોની ભીડને જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે. કારણકે તેનાથી કોરોનાનુ સંક્રમણ ફરી ફેલાવાનો ખતરો છે. હવે મનાલીમાં સ્થાનિક તંત્રે મોટો નિર્ણય કર્યો છે કે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને 5000 રુપિયા દંડ અથવા તો 8 દિવસની જેલની સજા થશે.


હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે.જેના પગલે હવે રોજ અન્ય રાજ્યોની 18000 થી 20000 વાહનો દાખલ થઈ રહ્યા છે.બહારના પર્યટકોના કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે.  મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે અને બજારોમાં પગ મુકવાની જગ્યા નથી.બજારોમાં એટલી હદે ભીડ છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે.જેના પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,393 કેસ નોંધાયા છે અને 911 લોકોના મોત થયા છે. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા એટલે કે કુલ એક્ટવિ કેસ 784 વધ્યા છે.



8 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 89 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે દેશમાં 40.23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં 42 કરોડ 7 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 2 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.