રાજસ્થાનમાં કાળઝાળ ગરમીએ સામાન્ય જનજીવનને જોરદાર અસર કરી છે અને હીટ સ્ટ્રોકને કારણે પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બાડમેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે આ ઉનાળાની સિઝનમાં સૌથી વધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ખૈરથલ જિલ્લામાં પાંચ મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમી એટલે કે 'રેડ એલર્ટ'ની ચેતવણી જાહેર કરી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે બાડમેર સૌથી ગરમ રહ્યું હતું જ્યાં મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ફલોદીમાં મહત્તમ તાપમાન 48.6 ડિગ્રી, ફતેહપુરમાં 47.6 ડિગ્રી, જેસલમેરમાં 47.5 ડિગ્રી, જોધપુરમાં 47.4 ડિગ્રી, જાલોરમાં 47.2 ડિગ્રી, ચુરુમાં 47 ડિગ્રી, ડુંગરપુરમાં 46.8 ડિગ્રી, બીકાનેરનું 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ચિત્તોડગઢમાં 45.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસથી 42.2 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. ગઈકાલે રાત્રે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું.


હવામાન કેન્દ્ર, જયપુરના જણાવ્યા અનુસાર, ફલોદીમાં ગઈકાલે રાત્રે તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 8.8 ડિગ્રી વધુ છે. રાજ્યમાં અન્ય સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા છ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના કારણે કથિત રીતે પાંચ લોકોના મોત થયા છે.


જાલોર જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી ડૉ. રમા શંકર ભારતીએ જણાવ્યું કે આજે એક મહિલા સહિત ચાર લોકોને અલગ-અલગ જગ્યાએથી જાલોર જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ કહ્યું હતું કે તેઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું, "મૃત્યુ ગરમીના સ્ટ્રોકને કારણે થયું હોઈ શકે છે." પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું કારણ જાણવા મળશે.


તેમણે જણાવ્યું કે ગુરુવારે એક મહિલા કમલા દેવી (40), અન્ય બે ચુના રામ (60), પોપટ રામ (30) અને એક અજાણ્યા વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું.


બુધવારે, બાલોત્રા જિલ્લાના પચપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાડમેર રિફાઇનરીમાં કામ કરતા સહિંદર સિંહ (41) અને સુરેશ યાદવ નામના બે યુવકો બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યું કે સહિંદર સિંહનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે સુરેશ યાદવની સારવાર ચાલી રહી છે. ખૈરથલ જિલ્લાના ઈસ્માઈલપુર ગામમાં પાંચ મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેનું કારણ ભારે ગરમી હોવાનું કહેવાય છે.


ગરમીમાંથી હાલ કોઈ રાહત નહી મળે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના લોકોને આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. આગામી 72 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધુ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.