Farmers to Protest at Parliament:કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતો 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોના આ આંદોલનને એક વર્ષ થવાને હવે થોડા દિવસો બાકી છે. આંદોલનને એક વર્ષ પૂરા થવા પર ખેડૂતોએ તેમની આગામી યોજનાની જાહેરાત કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઇથી લઇને દિલ્હી સુધી કેન્દ્ર સરકારને ઘેરશે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે સરકાર પર દબાણ વધારવા માટે શિયાળુ સત્ર દરમિયાન તેઓ સંસદની પાસે પ્રદર્શન કરશે. નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર 29 નવેમ્બરથી રોજ 500 ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલીઓમાં બેસીને સંસદની પાસે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા જશે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે 26 નવેમ્બરના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચશે અને બેઠકોમાં સામેલ થશે. ત્યારબાદ 28 નવેમ્બરના રોજ મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની મહાપંચાયત યોજશે. નોંધનીય છે કે ખેડૂતોએ પ્રશાસનની મંજૂરીથી ચોમાસુ સત્ર દરમિયાન જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું.
26 નવેમ્બરના રોજ ખેડૂત આંદોલનને એક વર્ષ પુરા થવા પર દિલ્હીની ત્રણેય સરહદો પર લોકોને એકઠા થવાની અપીલ કરી છે. આ દિવસે દિવસભરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં એકવાર ફરી સ્પષ્ટતા કરવામાં આવી કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોરચાની કોઇ ભૂમિકા રહેશે નહીં.
નોંધનીય છે કે ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્ધારા બનાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે. આ મામલે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેકવાર બેઠકો થઇ ચૂકી છે પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી.ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકાર તેમની માંગણીઓનો સ્વીકાર કરી રહી નથી જેથી પ્રદર્શન વધુ ઉગ્ર કરવામાં આવશે. આ માટે સરહદો પર પ્રદર્શનકારીઓની સંખ્યા વધારવામાં આવશે.