મુંબઈ : કોરોના વાયરસને કહેર સતત વધી રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે અને અત્યાર સુધીમાં 543 લોકોના મોત થયા છે. કોરોના વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 4000ને પાર પહોંચી છે. હવે રિપોર્ટ્સ સામે આવ્યા છે કે મુંબઈમાં કોરોના વાયરસની ચપેટમાં પત્રકારો પણ આવ્યા છે.



મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટર પણ સામેલ છે. સોમવારે સવારે આ પત્રકારોનો રિપોર્ટ આવ્યો હતો. કુલ 167 પત્રકારોનો કોરોના વાયરસ ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યો હતો. ટેસ્ટનું આયોજન શહેર સ્થિત પત્રકાર સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત,રાજસ્થાન, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 36 લોકોના મોત થયા છે જ્યારે 2546 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નોંધાયા ન હોય તેવા જિલ્લાઓની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે.