મણિપુરમાં થયેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. 54 મૃતકોમાંથી 16 મૃતદેહો ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 15 મૃતદેહો જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઈમ્ફાલ ઈસ્ટમાં છે. આ સિવાય ઇમ્ફાલ પશ્ચિમમાં લામ્ફેલ ખાતે પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાને 23 લોકોના મોતની પુષ્ટી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્યમાં સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.






પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સમુદાયો વચ્ચેની લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા છે. આ સિવાય લગભગ 100 લોકો ઘાયલ થયા છે. જોકે પોલીસ આ વાતની પુષ્ટી કરવા તૈયાર નહોતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ મૃતદેહો ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, ચુરાચંદપુર અને બિશેનપુર જેવા જિલ્લાઓમાંથી લાવવામાં આવ્યા હતા. ગોળીથી ઘાયલ થયેલા ઘણા લોકોની સારવાર RIMS અને જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં પણ ચાલી રહી છે.






13 હજાર લોકોને બચાવી લેવાયા હતા


સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા કુલ 13,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સેનાના કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. આર્મી પીઆરઓએ કહ્યું કે સુરક્ષા દળોની ત્વરિત કાર્યવાહીને કારણે હિંસા પ્રભાવિત વિસ્તારોના વિવિધ લઘુમતી વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવાયા છે. ચુરાચંદપુર, કાંગપોકપી, મોરેહ અને કાકચિંગમાં સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે.


ઇમ્ફાલમાં સ્થિતિ સામાન્ય થવા લાગી


સૈન્ય એકમો, રેપિડ એક્શન ફોર્સ અને કેન્દ્રીય પોલીસ દળોને ઇમ્ફાલ ઘાટીના તમામ મુખ્ય વિસ્તારો અને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ઈમ્ફાલ ઘાટીમાં સ્થિતિ નિયંત્રણમાં આવવા લાગી છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. શનિવારે અહીં દુકાનો અને બજારો ફરી ખુલી ગયા. લોકોએ ખરીદી કરી હતી. રસ્તાઓ પર વાહનો જોવા મળ્યા હતા.


મણિપુરના ચુરાચંદપુરમાં તેમના ગામમાં રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની શુક્રવારે સશસ્ત્ર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 204મી કોબ્રા બટાલિયનની ડેલ્ટા કંપનીના કોન્સ્ટેબલ ચોનખોલેન હાઓકિપનું બપોરે મૃત્યુ થયું હતું. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેની હત્યા કયા સંજોગોમાં કરવામાં આવી છે.