નવી દિલ્હી: દિવાળીના એક દિવસ પહેલા ભારતે પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા પાસે સીઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કરતા ફાયરિંગમાં 7 થી 8 પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કર્યા છે.

ભારતીય સેનાના સૂત્રો અનુસાર પાકિસ્તાનના લગભગ 10-12 સૈનિકો ઘાયલ થયા છે અને મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના બંકર અને લોન્ચ પેડનો નાશ કર્યો છે.


પાકિસ્તાની સેનાએ શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ઉરી સેક્ટરથી લઈને ગુરેડ સેક્ટર વચ્ચે અનેક સ્થળો પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, જેમાં ત્રણ સુરક્ષાકર્મી સહિત 6 લોકોના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર છોડ્યા અને અન્ય હથિયારોથી ફાયરિંગ કર્યું.

અધિકારીએ જણાવ્યું કે, ઉરીના નંબલામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાન શહીદ થઈ ગયા. જ્યારે હાજી પીર સેક્ટરમાં બીએસએફના સબ ઈન્સ્પેક્ટર પણ શહીદ થયા છે અને એક જવાન ઘાયલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરના રાજોરી અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સ્થિત ચાર સેક્ટરોના સરહદી વિસ્તાર અને ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ આ મહિનામાં અત્યાર સુધી 24 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.