શ્રીનગર : પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ચાર સેક્ટોરમાં ગોળીબારી કરી હતી. જેમાં સેનાના 3 અને બીએસએફના એક જવાન શહીદ થયા છે અને ત્રણ નાગરિકોમાં પણ મોત થયા હતા. ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા છે. સૂત્રો અનુસાર ઉરી સેક્ટરમાં બે જવાન શહીદ થયા જ્યારે એક જવાન ગુરેજ સેક્ટરમાં શહીદ થયો હતા.


અધિકારીઓએ જણાવ્યું કે, તમામ સેક્ટરોમાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. સુત્રો અનુસાર, ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના સાત થી આઠ જવાનોને ઠાર કર્યા છે. સેનાની કાર્યવાહીમાં 12 પાકિસ્તાની જવાન ઘાયલ થઈ ગયા છે.
અધિકારીઓ અનુસાર, બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના ઈજમર્ગમાં સીઝફાયરનું ઉલ્લંખન કર્યું હતું. તેના થોડાક સમય બાદ કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં ગોળીબારી કરી હતી. આજે સતત ચોથો દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું છે.


અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ બારામુલાના ઉરી સેક્ટરમાં પણ ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. તે સિવાય પુંછ જિલ્લાના સવજીન વિસ્તારમાં પણ ગોળીબારી કરી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરના રાજોરી અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સ્થિત ચાર સેક્ટરોના સરહદી વિસ્તાર અને ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ આ મહિનામાં અત્યાર સુધી 24 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.