નવી દિલ્હીઃ સૈન્યની એક અદાલતે આસામમાં 24 વર્ષ જૂના નકલી એન્કાઉન્ટર કેસમાં મેજર જનરલ અને છ અન્ય સૈન્યકર્મીઓને દોષિત ઠેરવ્યા હતા. 1994માં નકલી એન્કાઉન્ટરમાં પાંચ યુવકોને ઠાર મારવાના મામલે આ સૈન્યકર્મીઓને ઉમર કેદની સજા સંભળાવવામાં આવી હતી. ભારતીય સૈન્યના સૂત્રોએ આ ચુકાદાની પુષ્ટી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આસામના તિનસુકિયા જિલ્લામાં 1994માં થયેલા નકલી એન્કાઉન્ટર કેસમાં જે સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં મેજર જનરલ એ.કે.લાલ, કર્નલ થોમસ મૈથ્યુ, કર્નલ આર.એસ.સિબિરેન, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને નોનકમિશ્ડ ઓફિસર્સ દિલીપ સિંહ, જગદેવ સિંહ, અલબિંદર સિંહ અને શિવેન્દ્ર સિંહ સામેલ છે. દોષીત સૈન્ય કર્મીઓ આર્મ્ડ ફોર્સેસ ટ્રાઇબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
આસામના મંત્રી અને બીજેપી નેતા જગદીશ ભુયાને કહ્યું કે, ચાના બગીચામાં એક અધિકારીની હત્યાની શંકામાં 18 ફેબ્રુઆરી 1994માં તિનસુકિયા જિલ્લાના વિવિધ ભાગોમાંથી નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. સૈન્યના જવાનોએ એક નકલી એન્કાઉન્ટરમાં તેમાંથી પાંચ યુવકોને ઉલ્ફાના સભ્ય ગણાવી ગોળી મારી દીધી હતી. બાકીના ચાર લોકોને થોડા દિવસ બાદ છોડી દેવામાં આવ્યા હતા.
જગદીશ ભુયાને તે જ વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને યુવકો ગુમ થવાની સુચના આપી હતી. ભુયાનની અરજી પર હાઇકોર્ટે ભારતીય સૈન્યને કહ્યું કે, તે ઓલ ઇન્ડિયા આસમ સ્ટુડન્ટ યુનિયનના ગુમ 9 કાર્યકર્તાઓ નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરે. ત્યારબાદ સૈન્યએ તિનસુકિયાના ઢોલા પોલીસ સ્ટેશનમાં પાંચ મૃતદેહ રજૂ કર્યા હતા. જગદીશ ભુયાને આર્મી કોર્ટના ચુકાદા પર સંતોષ માન્યો હતો અને કહ્યું હતું કે, મને ભારતીય ન્યાય વ્યવસ્થા, લોકતંત્ર અને સૈન્યના અનુશાસન તેમજ નિષ્પક્ષતા પર પુરો વિશ્વાસ છે.