નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મળ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના 76 જેટલા કેસ સામે આવ્યા છે પરંતુ હવે દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે.


કોરોનાથી જીવ ગુમાવનાર વ્યક્તિ જાન્યુઆરીમાં સાઉદી અરબ ગયો હતો અને 29 ફેબ્રુઆરીએ પરત ફર્યો હતો. પરત ફર્યા બાદ તેણે તાવની ફરીયાદ કરી હતી. પરિવાર અને ડોક્ટરોની સલાહ બાદ સારવાર માટે હૈદરાબાદ ગયો હતો. હૈદરાબાદથી પરત ફર્યા બાદ મંગળવારે 11 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.

કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું. ભારતમાં કોરોનાના કારણે મોત થયું હોવાનો આ પ્રથમ કેસ છે. જોકે, આ દર્દીના સંપર્કમાં આવેલા 40 લોકોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે દેશમાં કોરોના વાયરસના 73 કેસ છે. જેમાંથી 56 ભારતીય અને 17 વિદેશી છે. નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યારસુધી કોરોના વાયરસના 1,21,654 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.

બીજી તરફ વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસથી ડરશો નહીં. સાથે જ પીએમ મોદીએ વાયરસને ફેલાતો રોકવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. તેમણે જાહેરાત કરી છે કે હાલ કોઈ પણ મંત્રી વિદેશ પ્રવાસે નહીં જાય. સાથે જ લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે, તેમજ ભીડવાળી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.

કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે ભારતે દુનિયાનાં કોઈપણ દેશમાંથી આવાનારા લોકોનાં વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. કાર્ડ હોલ્ડરને આપવામાં આવનારી વીઝા મુક્ત યાત્રાની સુવિધા પણ 15 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે. આ રોક તમામ એરપોર્ટ અને બંદર પર 13 માર્ચની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.