નવી દિલ્હીઃ સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર 31 ઓગસ્ટથી 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પગાર વધારો અને સાત મહિનાનું એરિયર લાગુ થશે. સરકાર એવા પણ પ્રયતન્માં છે કે 50 લાખ જેટલા પેન્શનર્સને પણ નવી વ્યવસ્થા અનુસાર વધારાનું પેન્શન અને બાકી રકમ પહેલી સપ્ટેમ્બરથી મળી જાય.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સાતમાં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016 લાગુ કરવામાં આવી છે. દર 10 વર્ષ બાદ લાગુ થનારી નવી પગાર વ્યવસ્થામાં કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં વધારો 14.2 ટકાથી 23.4 ટકાની વચ્ચે થયો છે. જોકે હાલમાં તમામ ભથ્થાં જૂની વ્યવસ્થા પ્રમાણે જ મળતા રહેશે, કારણ કે તેમાં ફેરફાર પર ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જેની ભલામણ આવ્યા બાદ જ તેના વિશે કોઈ નિર્ણય થશે.