કાશ્મીરઃ મોબ લિંચિંગને લઇને જ્યારે દેશભરમાં રાજકીય અને ન્યાયિક ચર્ચા છેડાઇ છે. તેમ છતાં મોબ લિંચિંગની ઘટનાઓ રોકાઇ રહી નથી. તાજેતરમાં જ રાજસ્થાનના અલવરમાં કથિત ગૌરક્ષકોએ અકબર નામના એક યુવકની માર મારીને હત્યા કરી દીધી હતી. તો રવિવારે જમ્મુના રામબન જિલ્લાના મગરકોટમાં 60 વર્ષના વૃદ્ધ હમીદ શેખ પર કથિત ગૌરક્ષકોએ હુમલો કરી દીધો હતો. ઘાયલ હમીદ શેખને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવાયો છે. હાલમાં હમીદની હાલત સ્થિર છે. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
રામબનના એસએસપી મોહનલાલનું કહેવું છે કે પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. હમીદ શેખે પોલીસને જણાવ્યું કે, તેણે એક ગાય ખરીદી હતી જેને લઇને કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને તેના પર હુમલો કરી દીધો હતો. જમ્મુ કાશ્મીરના પ્રવક્તાએ આ ઘટનાને પરસ્પર મારપીટની ઘટના ગણાવી કહ્યું કે, ઘટનાને ગૌરક્ષા સાથે જોડવી યોગ્ય નથી. પોલીસ તરફથી સામાન્ય લોકોને આવી અફવાથી દૂર રહેવા કહ્યું છે.