ભુવનેશ્વર: ઓડિશાના ગંજમ જિલ્લામાં રવિવારે યાત્રીઓ ભરેલી એક બસ વિજળીના તારને અડી જતા બસમાં સવાર 9 લોકોના મોત થયા છે અને 30 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. આ ઘટના ગંજમ જિલ્લાના ગોલનથારા પોલીસ ક્ષેત્ર અંતર્ગત નંદરાજપુર પાસે બની હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં 40થી વધારે લોકો નજીકના એક ગામમાં સગાઈના સમારોહમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમનું શરીર 70 ટકા બળી ગયું છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.


આ ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ અને ફાયરના જવાનોએ યાત્રીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા.

બેહરામપુર પોલીસ અધિક્ષક પિનાક મિશ્રાએ કહ્યું કે ઘાયલોને એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવહન મંત્રી પદ્મનાભ બેહરાએ કહ્યું આ ઘટનાના સંબંધમાં તપાસ સોંપવામાં આવશે.


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાનું આશ્વાસન આપ્યું છે.