Bengaluru: બેંગલુરુમાં નવ મહિનાની બાળકી અને તેની માતાને વીજ કરંટ લાગ્યો. આ ઘટના રવિવારે સવારે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે અહીં હોપ ફાર્મ નજીક ફૂટપાથ પર પડેલા ઇલેક્ટ્રીકલ વાયર પર અકસ્માતે પગ મૂકતાં 23 વર્ષીય મહિલા અને તેની નવ મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સૌંદર્યા અને તેની પુત્રી સુવિક્ષા તમિલનાડુથી આવ્યા બાદ ઘરે ચાલીને જઈ રહ્યા હતા. તેણે જણાવ્યું કે તેનો સામાન-ટ્રોલી બેગ અને અન્ય વસ્તુઓ સ્થળ પર વેરવિખેર પડી હતી.


અધિકારીઓ સામે બેદરકારીનો કેસ નોંધાયો
કડુગોડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESSCOM)ના અધિકારીઓ સામે બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે.


બેંગલુરુના સેન્ટ્રલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પીસી મોહને X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હોપ ફાર્મ જંક્શન પર ઇલેક્ટ્રિક શોકને કારણે એક યુવતીનું મૃત્યુ હૃદયદ્રાવક છે અને BESCOM એ તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવા જોઈએ. આવી ઘટનાઓને રોકવા અને સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે BESCOM એ ઉચ્ચ સ્તરીય જવાબદારી લેવી જોઈએ.


તેઓ દિવાળી માટે ચેન્નાઈ ગયા હતા


સૌંદર્યા અને તેનો પતિ સંતોષ એકે ગોપાલન કોલોનીમાં રહેતા હતા. તેઓ દિવાળી માટે ચેન્નાઈ ગયા હતા અને આજે બેંગલુરુ પરત ફરી રહયા હતા. આ દરમિયાન પુત્રીને ખોળામાં લઈને જતી સૌંદર્યાનો પગ  અંધારામાં અકસ્માતે ઈલેક્ટ્રીક વાયર પર પડી ગયો. સંતોષે તેની પત્ની અને પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચાવી શક્યો નહીં. બચાવ દરમિયાન, ઇલેક્ટ્રિક શોકને કારણે સંતોષનો હાથ બળી ગયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


હાલમાં, કડુગોડી પોલીસ દ્વારા સંબંધિત સહાયક ઇજનેર ચેતન, જુનિયર એન્જિનિયર રાજન્ના અને સ્ટેશન ઓપરેટર મંજુનાથની પૂછપરછ કરવામાં આવી રહી છે. કડુગોડી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલમાં માતા પુત્રીના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial