શહેરમાં રખડતા ઢોર ક્યારે કોની પર હુમલો કરી દે કહી ન શકાય. મોટા ભાગના શહેરમાં રખડતા ઢોર અંગે ફરિયાદો સામે આવતી રહે છે. રખડતા ઢોરના ત્રાસથી રાજધાની દિલ્હી પણ સુરક્ષિત નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે દિલ્હીથી જ્યાં 31 માર્ચની સાંજે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ પર રખડતા આખલાએ હુમલો કર્યો હતો. ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના શેરપુર ચોકના દયાલપુર વિસ્તારની હોવાની વાત સામે આવી છે. અહીં ફરજ પરના એક કોન્સ્ટેબલને એક રખડતા આખલાએ તેના શિંગડા વડે ઉપાડી લીધો હતો અને રસ્તા પર નીચે ફેંકી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કોન્સ્ટેબલની ઓળખ જ્ઞાન સિંહ તરીકે થઈ છે. ત્યાર બાદ ઘાયલ થયેલા જવાનને સાથી પોલીસકર્મીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ જવાન બેભાન થઈ ગયો
હકિકતમાં કોન્સ્ટેબલ જ્ઞાન સિંહ ડ્યુટી દરમિયાન શેરપુર ચોકડી પર ઉભા હતા, ત્યારે પાછળથી એક આખલો આવ્યો અને તેને શિંગડા વડે હુમલો કરી દીધો. જમીન પર પટકાયા બાદ પોલીસ જવાન બેભાન થઈ ગયો હતો. જો કે, સદનસીબે પોલીસજવાન નીચે પડ્યા બાદ બળદ ત્યાંથી નીકળી ગયો હતો અને તેના પર હુમલો કર્યો ન હતો. આ ઘટના બાદ નજીકમાં ફરજ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે.
જો કે રીતની ઘટનાઓ ગુજરાતમાં પણ ઘણીવાર સામે આવી ચૂકી છે. જેની ફરિયાદો સામે આવતા રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતા મોત થયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ આવી જ ઘટના હિમતનગરમાં બની હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં સાંઢે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી રખડતા ઢોર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. હિંમતનગરમાં આખલાએ વૃદ્ધા સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન 85 વર્ષીય મહિલાનું મોત થયું. મૃતકનું નામ વિષ્ણુબા હતું.