નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના જાલૌનમાં પ્રવાસી મજૂરોથી ભરેલી DCM વાનને કોઇ અજાણી કારે ટક્કર મારી દીધી, આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 14 મજૂરો ઘાયલ થયા છે. પ્રવાસી મજૂરો મુંબઇથી પરત ફરી રહ્યાં હતા.


DCM વાનમાં 46 મજૂરો સવાર હતા, મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. બધા ઘાયલ મજૂરોને રાજકીય મેડિકલ કૉલેજ ઉરઇમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. એટ થાના વિસ્તારના એનએચ-8 સ્થિત ગ્રામ ગિરથાનમાં આ દર્દનાક દૂર્ઘટના ઘટી હતી.

રોજી-રોટીના સંકટના કારણે દરેક રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પોતાના વતને પરત ફરી રહ્યાં છે, ત્યારે મજૂરોની આવી ચોંકાવનારી તસવીરોથી હ્રદય કંપી જશે, સામાન ભરવાના ટ્રકોમાં પણ મજૂરો ઘેટાં-બકરાની જેમ ભરાઇને વતન પરત જઇ રહ્યાં છે.

નોંધનીય છે કે, કોરોના સંકટના કારણે દેશમાં 24 માર્ચથી સતત લૉકડાઉન ચાલુ છે. આવામાં મજૂરોની હાલત દયનીય થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટેશન અને બસ સેવા પર પ્રતિબંધ લાગવાના કારણે હજારો કિલોમીટર સુધી મજૂરો પગપાળા ચાલતા જઇ રહ્યાં છે.