ગાંધીનગર: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને તેલંગાણામાં કોરોનાના કેસનું પ્રમાણ વધુ છે. જેને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક ટીમ ગુજરાત આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ 26થી 29 જૂન સુધીમાં ગુજરાત આવશે.


કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમા એક ટીમ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત કરશે. આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે કોરોના વાયરસના સંક્રમણને રોકવા લેવાયેલા પગલા, દર્દીઓની સારવાર સહિત બાબતો અંગે ચર્ચા કરશે. આ પહેલા પણ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવી હતી અને સિવિલમાં આવેલી કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.



કોરોના કેસના મામલે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 29,000ને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001‬ પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.