નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,922 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 4,73,105 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,894 લોકોના મોત થયા છે. 2,71,697 લોકો ઠીક થઈ ગયા છે અને 1,86,514 એક્ટિવ કેસ છે. આ દરમિયાન દેશના એક મોટા રાજ્યમાં કોરોનાનાં લક્ષણો વિના દર્દી સીધી મોતને ભેટે એવો ખતરનાક ટ્રેન્ડ જોવા મળ્યો છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આંધ્રપ્રદેશમા વિજયવાડામાં જૂની સરકારી હોસ્પિટલના આર્ટ સેન્ટરમાં કામ કરતાં ડોક્ટરને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેમની છાતીના એક્સરેમાં પણ બધું નોર્મલ જણાયું હતું. તેમને કોવિડ-19 હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં થોડા જ કલાકોમાં તેમનું મોત થયું હતું. મોત પહેલા ડોક્ટરને છેલ્લા દિવસ સુધી કોવિડ-19ના કોઈ લક્ષણો જણાયા નહોતા. આ ઉપરાંત અન્ય કોરોના લક્ષણો પણ નહોતા. જે બાદ આંધ્રપ્રદેશમાં કોરોનાનાં લક્ષણો વિના દર્દી સીધી મોતને ભેટતો હોવાની ચર્ચા થઈ રહી છે.

પેદાપુડી અને ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં આશરે 200 લોકોને કોરોનાનો ચેપ લગાડનારા સુપર સ્પ્રેડરને કાકિનાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અડધા કલાકમાં જ મોત થયું હતું. અમલાપુરમમાં અન્ય કોવિડ-19 દર્દીનું ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. કોવિડ-19 દર્દીનું અચાનક મોત થયું હોય તેવા આ પ્રકારના કેસો અન્ય જિલ્લામાં પણ નોંધાયા છે. આવા લોકો લક્ષણો દેખાયાના ગણતરીના કલાકો કે એક દિવસમાં મોતને ભેટ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેટલાક કિસ્સામાં દર્દીની સ્થિતિ સ્થિર જણાય છે પરંતુ વાયરસે તેમના અંગને પહેલા જ નુકસાન પહોંચાડી દીધું હોય છે. આ ઉપરાંત લોહીમાં ઓક્સિજનનું સ્તર પણ નોંધનીય ઘટી ગયું છે. જેના કારણે ડોક્ટરને આવા દર્દીને બચાવવાનો પૂરતો સમય મળતો નથી. સેવન હિલ્સ હોસ્પિટલના કન્સલટન્ટ પલમોનોલોજિસ્ટ ડો. વામસી ક્રિષ્નાએ કહ્યું, દર્દીની રોગપ્રતિકારક શક્તિ અને તેને કોઈ રોગ છે કે નહીં તેના પર સારવારનો પ્રાથમિક આધાર હોય છે. જોકે, કેટલાક કોવિડ-19 દર્દીઓમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવા છતાં કોઈ તીવ્ર અસામાન્યતા જોવા મળતી નથી. જ્યારે તે અચાનક મૃત્યુની વાત આવે છે, ત્યારે સાયલન્ટ હાયપોક્સિયા અને તેના પરિણામે થતી ગૂંચવણો ઊભી થાય છે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે આંધ્રપ્રદેશમા કોરોના સંક્રમિતોની સંખ્યા 10,331 પર પહોંચી છે. જેમાંથી 124 લોકોના મોત થયા છે. 4779 લોકો સાજા થઈ ગયા છે અને 5428 એક્ટિવ કેસ છે. કોરોના ટેસ્ટિંગ મામલે આંધ્રપ્રદેશ સમગ્ર દેશમાં મોખરે છે.