દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. જોકે બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. જોકે હવે નિષ્ણાંતોએ ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આગામી ત્રણ મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જોકે સરકાર પણ કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને સાવચેત જોવા મળી રહી છે. સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


તબીબી નિષ્ણાંતોનું કહેવું છે કે, ઓક્ટોબર મહિનામાં સુધીમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. જોકે બીજી લહેરમાં જેવી મુશ્કેલી પડી તેને જોતા આ વખતે ત્રીજ લહેરને સારી રીતે નિયંત્રિત કરી શકાશે. જોકે એક વાત નક્કી છે કે આ મહામારી વધુ એક વર્ષ જોખમી બની રહેશે.


દુનિયાભરના 40 સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસરોના 3થી 17 જૂન વચ્ચે કરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળ્યું છે કે ત્રીજી લહેરના પ્રકોપને ઘટાડવા માટે રસીકરણ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવશે. ત્રીજી લહેરની આગાહી કરનારાઓમાં 85 ટકા કરતાં વધારે નિષ્ણાંતોનું કહેવું છે કે, વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં સુધીમાં આવશે. આ સિવાય કેટલાક લોકો સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીજી લહેર આવશે તેવું માની રહ્યા છે.


દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે.  97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .


દેશમાં કોરોનાની સ્થિતિ


કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 23 હજાર 546


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 86 લાખ 78 હજાર 390


કુલ એક્ટિવ કેસ - 7 લાખ 60 હજાર 


કુલ મોત - 3 લાખ 85 હજાર 137


દેશમાં સતત 37માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 74 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 18 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 33 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.