આધાર ડેટાનો ઉપયોગ ક્રાઇમની તપાસ માટે નહીં કરી શકાય: UIDAI
abpasmita.in | 22 Jun 2018 11:02 PM (IST)
નવી દિલ્હી: યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે આધાર અધિનિયમ અંતર્ગત આધારની બાયોમેટ્રિક જાણકારીનો ઉપયોગ ક્રાઇમની તપાસમાં નહીં કરી શકાય. ઑથોરિટીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ રાષ્ટ્રીય નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)એ ગુનો પકડવા માટે પોલીસને આધાર ડેટાની મર્યાદિત એક્સેસ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. UIDAIએ કહ્યું, તેમના દ્વારા ભેગી કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ માત્ર આધાર બનાવવા અને આધાર ધારકોની ચકાસણી માટે કરવામાં આવી શકે છે. તે સિવાય બીજા અન્ય ઉદ્દેશ્ય માટે તેનો ઉપયોગ નહીં કરી શકાય. UIDAIએ કહ્યું, ‘આધાર અધિનિયમ 2016ની ધારા 29 હેઠળ આધારની બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ ક્રાઇમની તપાસ માટે સ્વીકૃત નથી.’ અધિનિયમની ધારા 33 અંતર્ગત ખૂબજ મર્યાધિત છૂટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટીએ કહ્યું, જ્યારે મુંબઈ હાઇકોર્ટે કોઈ વિશેષ કેસમાં તપાસ એજન્સી સાથે બાયોમેટ્રિક ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી હતી. ગુરુવારે એનસીઆરબીના ડાયરેક્ટરે કહ્યું હતું કે દેશમાં દર વર્ષે લગભગ 50 લાખ અપરાધિક કેસ નોંધાય છે. તેના પ્રમાણે મોટાભાગના કેસમાં પ્રથમવાર ગુનો કરનારા હોય છે, જે ગુનાના સ્થળ પર ફિંગરપ્રિન્ટ તો છોડી જાય છે. પરંતુ પોલીસ પાસે તેનો કોઈ જ રેકોર્ડ હોતો નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ડાયરેક્ટર ઈશ કુમારે કહ્યું હતું કે, પોલીસને આધાર ડેટાની મર્યાદિત એક્સેસ મળે તો અપરાધીઓની ધરપકડ કરી શકાય.