નવી દિલ્હી : કેંદ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય ખાદ્ય મંત્રાલયે રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. મંત્રાલયે કહ્યું કે આધાર સાથે નહી જોડાયા હોવા છતા લાભાર્થીઓને રેશનકાર્ડ પર રેશન મળશે. માર્ચના અંતમાં લોકડાઉન લગાવ્યા બાદ કેંદ્ર સરકારે રેશનકાર્ડ ધારકોને રાહત આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત થશે.




મંત્રાલયના અનુસાર હવે કુલ 23.5 કરોડ રેશનકાર્ડમાંથી 90 ટકા રેશનકાર્ડને લાભાર્થીઓના આધાર નંબર સાથે લીંક કરવામાં આવ્યા છે. લાભાર્થી પરિવારના ઓછામાં ઓછા એક સદસ્યનું આધાર રેશનકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.

કેંદ્ર સરકાર એક જૂનથી 20 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં રેશકાર્ડ પોર્ટેબિલિટી સેવા એક દેશ-એક રેશનકાર્ડને અમલમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ જાણકારી હાલમાં જ કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આપી હતી. આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લોકડાઉન દરમિયાન વતન પરત ફરેલા મજૂરો અને આર્થિક રીતે નબળા લોકોને સસ્તાદરે અનાજ મળી શકે.