નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી પ્રધાનમંત્રી મોદી અત્યાર સુધીમાં ચાર વખત દેશને સંબોધિત કરી ચુક્યો છે. આજે પીએમ મોદી ફરી એક વખત રાષ્ટ્રને સંબોધન કરશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થશે. પીએમ મોદી આજે રાતે લોકડાઉન 4.0ને લઈ અનેક જાહેરાત કરી શકે છે.


મોદીએ છેલ્લા ચાર સંબોધનમાં શું કહ્યું

19 માર્ચઃ જનતા કર્ફ્યુ

પીએમ મોદીએ 19 માર્ચે કરેલા સંબોધનમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં સંયમ અને સંકલ્પનું આહવાન કરતાં દેશવાસીઓને જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. આશરે 30 મિનિટના સંબોધનમાં કોરોના વાયરસના ખતરાને જોતાં લોકોને ઘરની અંદર રહેવા અને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવા કહ્યું હતું.

24 માર્ચઃ 21 દિવસના લોકડાઉનની જાહેરાત

24 માર્ચે કોરોના વાયરસને લઈ દેશને સંબોધતા પીએમ મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, હિન્દુસ્તાનને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે ઘરની બહાર નીકળવા પર પૂરી રીતે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. દરેક ગલી, મહોલ્લામાં લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જાન હૈ તો જહાન હૈ કહ્યું હતું.

3 એપ્રિલઃ કોરોના વોરિયર્સનું સન્માન

3 એપ્રિલે પીએમ મોદીએ દેશને સંબોધન કરતાં કોરોના વોરિયર્સનું સન્માન કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું, 5 એપ્રિલની રાત્રે 9 કલાકે દેશભરમાં લોકો 9 મિનિટ માટે તેમના ઘરની લાઈટો બંધ કરીને દીવા કે મીણબત્તી સળગાવે. પીએમનો હેતુ કોરોના સામે દેશને એકતાના સૂત્રમાં બાંધવાનો હતો.

14 એપ્રિલઃ લોકડાઉન લંબાવ્યું

પીએમ મોદીએ 14 એપ્રિલે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં લોકડાઉનને 19 દિવસ વધુ લંબાવીને ત્રણ મે સુધી કરી દીધું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આમ આદમીને પડી રહેલી મુશ્કેલીની વાત કહી અને કહ્યું સંકટના આ સમયમાં મર્યાદીત સંસાધનો વચ્ચે આપણે લોકડાઉનથી આ બીમારીને હરાવી શકીએ છીએ. તેમણે સંબોધનમાં વડીલોની સંભાળ, સોશિયલ ડિસ્ટેંસિંગનો ખ્યાલ અને ગરીબ પરિવારોની સારસંભાળ રાખવાની અપીલ કરી હતી.