નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે એટલે કે શનિવારે મતદાન થશે. મતદાન અગાઉ આમ આદમી પાર્ટીએ ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ પર રૂપિયા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે આ સંબંધમાં વીડિયો પણ ટ્વિટ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે ગિરિરાજ સિંહ લોકોમાં રૂપિયા વહેંચી રહ્યા હતા.


જેને લઇને આપ નેતા સંજય સિંહે બે ટ્વિટ કર્યા હતા અને કહ્યુ હતું કે, કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ બુધ બિહાર ફેઝ-1 રિઠાલા વિધાનસભામાં રૂપિયા વહેંચતા પકડાઇ ગયા હતા. ભાજપે પોતાના સાંસદોને રૂપિયા અને દારૂ વહેંચવાની જવાબદારી અલગ અલગ સોંપી છે.ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે.

જોકે, ડીસીપી રોહણીના મતે ગિરિરાજ સિંહ પોતાના પીએસઓ સાથે પ્રાઇવેટ વિઝિટ પર વિજય વિહાર એક જ્વેલરને મળવા પહોંચ્યા હતા. સાંજે છ વાગ્યાને 45 મિનિટ પર ગિરિરાજ સિંહના પીએસઓને પીસીઆર કોલ કરી ફરિયાદ કરાઇ હતી કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા દુકાનમાં બહાર એકઠા થયા હતા અને હોબાળો મચાવી રહ્યા છે. જોકે, બાદમાં પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.