નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરાવવા માટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનું ગઠબંધન લગભગ નક્કી થઈ ગયું છે. સુત્રોના પ્રમાણે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણ-ત્રણ સીટો પર ચૂંટણી લડશે, જ્યારે એક સીટ અન્ય માટે છોડી દેવામાં આવશે. દિલ્હીમાં લોકસભાની સાત સીટો છે. જે વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં 7 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી હતી.



નોંધનીય છે કે, જે મુદ્દાઓને લઈને સીએમ કેજરીવાલે કોંગ્રેસનો વિરોધ કરીને રાજકીય ગ્રાઉન્ડ તૈયાર કર્યુ, હવે એ જ મુદ્દાઓને લઇને કોંગ્રેસની સાથે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કેજરીવાલે ખુલીને નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને કહી-કહીને ગઠબંધન માટે થાકી ગયા પરંતુ કોંગ્રેસે વાતચીત કરી નહતી. ગઠબંધનને લઈને સત્તાવાર જાહેરાત પહેલાં જ રાહુલ ગાંધીએ ગ્રેસની મોટી બેઠક બોલાવી છે.



કોંગ્રેસ સાથે જ્યારે ગઠબંધનનું સેટિંગ ન થયું ત્યારે આપે દિલ્હીની છ સીટો પર પોતાના 6 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એબીસી ન્યુઝના સુત્રો પ્રમાણે, ગઠબંધનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. બપોરે 12:30 વાગે આપની પણ પ્રેસ કોન્ફરન્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સાતમી સીટ પર શત્રુધ્ન સિંહા બન્નેના સંયુક્ત ઉમેદવાર હોઈ શકે છે.



આમ આદમી પાર્ટી પહેલાં વધારે સીટોની માંગને લઈને મક્કમ હતી જોકે આ વાતને લઈને કોંગ્રેસ તૈયાર નહતી. આ ઉપરાંત કોંગ્રેસ દિલ્હીના નેતા પણ તેમના પક્ષમાં ન હતા અને આ કારણે વાતચીત અધવચ્ચે જ અટકી ગઈ હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ વાતચીત ફરી શરૂ થઈ ગઈ છે.